we


હંગામી ટી સ્ટોલ-હોટલો અસામાજિકોના અડ્ડા બન્યાં..! અહીં નશીલાં પદાર્થો પણ વેચાય છે..?

        ભરૂચ શહેરની વચ્ચે હોય, શહેરની આસપાસ હોય કે જૂના નેશનલ હાઈવે પર આવેલાં ફૂડ કોર્ટ કે ચાના અડ્ડા હોય, આ હંગામી હોટલ-સ્ટોલ છાશવારે બબાલ-હંગામો કે મારામારીના કેંદ્રો બન્યાં છે. આવાં કેંદ્રો મોડી રાત સુધી અને ક્યારેક તો વેહલી સવાર સુધી ધમધમતા રહે છે. જેનો લાભા સામાન્ય લોકો, મુસાફરોની સાથે અસામાજિક તત્વો પણ લે છે..! એક ચર્ચા તો એવી ચાલી છે કે આવી હોટલો, ટી સ્ટોલ કે ચા-પાણીના અડ્ડાઓ નશીલા પદાર્થોના કેંદ્રો પણ બન્યાં છે..! અહીં ખાનગી રાહે ડ્રગ્સ કે ચરસ-ગાંજા જેવા નશીલા પીણાં પણ મળે છે..! શક્ય છે કે હોટલો કે ટી સ્ટોલના માલિકોની જાણ બહાર બહારના લોકો જ આ ધંધા કરતાં હોય..! અને શક્ય એ છે કે સંચાલકો આંખ આડા કાન પણ કરતાં હોય..!



તાજેતરમાં જૂના નેશનલ હાઈવે પર આવેલાં ખેતલાઆપા ટી સ્ટોલ પર વાદ-વિવાદ, મારા-મારી અને ગાળા-ગાળીનો બનાવ બન્યો. બનાવની વિગત એવી છે કે આ ટીસ્ટોલની પાછળની સોસાયટીમાં રહેતા વૃદ્ધ (સુધીરભાઈ પટેલ) ત્યાંથી પસાર થતા હતા ત્યારે તેમને ચાલવામાં તકલીફ પડતા તેમણે પાર્ક કરેલી બાઈક રોડની અંદરથી પાર્ક કરવા અનુરોધ કર્યો હતો. જો કે સંચાલકે ભૂલ સુધારવાના બદલે તેમની સાથે ઉદ્ધત વર્તન ઉપરાંત ઝપાઝપી કરી ધક્કો મારી તેમને પાડી દીધા હતા. પરિણામ એ આવ્યું કે વૃદ્ધના પુત્ર કે જે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે, તે ઋષભ પટેલે ટી-સ્ટોલ પર આવી સ્ટોલ સંચાલક સાથે આ વાત કરતા સંચાલકે તેની સાથે પણ ઉદ્ધત વર્તન કર્યુ હતુ..! તેને રાજકિય આગેવાન હોવાની ધોંસ ન જમાવવા સાથે અપશબ્દો પણ કહ્યા..! અંતે ઋષભ પટેલની સ્ટોલ સંચાલક અને કર્મચારીઓ સાથે ઝપાઝપી થઈ હતી જેના cctv footage વાયરલ થતાં તમાશાને તેડું મળ્યું હતું.

ખેતલા આપા ટી સ્ટોલના સંચાલક નિકુલ મોરડીયાના  જણાવ્યા અનુસાર ઋષભ પટેલના પિતા ટી સ્ટોલ પર આવી બાઈક હટાવવાનું કહ્યુ હતુ. બાઈક ગ્રાહકની હોય અમે વ્યવસ્થિત કરી દઈશુ તેમ જણાવવા છતાં તેઓએ ઉશ્કેરાઈને અપશબ્દો બોલી દુકાન બંધ કરી દેવાની ધમકીઓ આપી હતી. આમાં સામાવાળા ૠષભ પટેલ ભાજપી આગેવાન હોવા સામે સ્ટોલ સંચાલક પણ સૌરાષ્ટ્રના એક મહિલા સાંસદના સગા હોવાની વાત બહાર આવી છે. ત્યારે સવાલ એ છે કે હંગામી ધોરણે ઉભા કરાયેલાં આવી હોટલો કે ટી સ્ટોલ ચલાવવાના કોઈ નિયમો છે ખરાં..? એમના માટે કોઈ સમય મર્યાદા છે ખરી..? લાગે છે આવાં સ્ટોલ મોટા માથાઓની રહેમ નજર અને રોકડી હેઠળ જ ચાલે છે..! જિલ્લાના બાહોશ પોલીસવડા મયુર ચાવડાએ કોઈની પણ સેહ-શરમ રાખ્યા વગર કાયદો હાથમાં લેનારને દંડ્યા છે ત્યારે આમને પણ...

ઋષભ પટેલનો ખુલાસો (click link)
https://www.instagram.com/reel/DJspi2PIfAe

ભરૂચ અને તેની આસપાસ ધમધમતી આવી હોટલો, ટી સ્ટોલ કે ચા-પાણીના અડ્ડાઓની પરવાનગીમાં પણ “એકને ગોળ અને બીજાને ખોળ”ની અપનાવાયાની વાત પણ બહાર આવી છે. થોડો સમય પહેલાં શક્તિનાથ માર્કેટ નજીક્ના લિંક રોડની ખુલ્લી અને અંગત માલિકીની જગ્યામાં ઉભો કરાયેલ સ્ટોલ ચાલુ થાય તે પહેલાં જ બૌડાના અધિકારીઓએ બંધ કરાવી દીધો હતો. કેમ..? કોના ઈશારે..? શા માટે..?

આવા બનાવો, અસામાજિક કૃત્યો અને નશીલા પદાર્થોની હેરાફેરી બેકાબુ ન બને તે માટે પોલીસ અને પ્રશાસને કડક નિયમો, જરૂરી દેખરેખ અને સખત અમલીકરણ રાખવું જ પડશે.

No comments