we


ભરૂચ ભાજપમાં સંગઠનની ભાંજગડઃ ‘શિયાળ ખેંચે સીમ ભણી અને કૂતરુ ખેંચે ગામ ભણી..!’

ભાજપાની સંગઠન શક્તિની વાત કરીએ તો જિલ્લા પ્રમુખ સાંસદની પણ ઉપર છે. કહેવાય છે કે એક કેબિનેટ મંત્રી જેટલી સત્તા જિલ્લા સંગઠન પ્રમુખ પાસે રહેલી છે. હા, એ વાત અલગ છે કે સંગઠન પ્રમુખ તેનો ઉપયોગ કેવી રીતે કરે છે. અને કેટલો કરે છે.

ભરૂચ જિલ્લા ભાજપાના સંગઠનની વાત કરીએ તો પ્રમુખની વરણીમાં ચમત્કાર થયો. કરાયો. નામ જાહેર થતાં પહેલાં અનેક આગેવાનોએ માથાફોડી કરી. ‘આ તો નહીં જ’નું રટણ પણ કર્યું..! પ્રકાશ મોદીની જ્ઞાતીના અને ઓબીસી સમાજના આગેવાનો પણ એડી ચોટીનું જોર લગાવ્યું. મોર્ચાના શિર્ષઠ નેતા અને પ્રદેશ પ્રમુખના ટેલિફોન પણ રણકાવ્યા..! પણ, તેમની કારી ફાવી નહીં. કારણ એવું હતું કે બધાંને પોતાના બેનંબરીયા ધંધામાં ‘આ માણસ’ ફીટ લાગતો નહોતો. ૬-૪૫ ૫છીની ગેંગને પણ ‘આ માણસ’ની સત્તા પોષાય તેમ નહોતી..! પણ હાઈકમાંડના આદેશ સામે તેઓ ફાવ્યા નહીં..!



એટલે હવે બીજો દાવ અજમાવાઈ રહ્યા છે. કહેવાય છે કે કેટલાક લોકો સવારે ૭ વાગે જ ‘આ માણસ’ ના ઘેર કે કાર્યાલય પર આવી જાય છે. અને કદાચ રાતે દસ વાગ્યા સુધી ત્યાં જ હોય છે. આવા લોકોની સંખ્યા ક્રમશઃ વધી રહી છે. બે-ચાર વર્ષ પહેલાં ધંધાર્થે ભાજપામાં આવેલ અને ખાનદાની કોંગ્રેસીઓ એ પણ ‘આ માણસ’ પર કબજો મેળવવા કવાયત હાથ ધરી છે. ચર્ચાય છે તે અનુસાર આ બધાં કોઈને કોઈ અંગત કારણોસર કે કોઈ નેતાનો એજંડા પાર પાડવા અહીં આવ્યા છે. આવી રહ્યાં છે. કે આવશે.

૫ એપ્રિલ ૨૦૨૫ના રોજ સુધીમાં શહેર અને તાલુકા સંગઠન જાહેર કરી દેવાની વાત હતી. આઠ દિવસ ઉપર થઈ ગયાં તોય જાહેરાત થતી નથી. કારણ એક જ લાગે છે. બધાં નેતા, ધારાસભ્ય, સાંસદ કે ચૂંટાયેલા પ્રતિનિધિ પોતપોતાના ‘પીઠ્ઠુ’ને ફિટ કરવા માંગે છે..! જેથી આ વર્ષના અંતે યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય અને તાલુકા-જિલ્લા અને મહાનગરોની ચૂંટણીમાં તેઓ પોતાનું ધાર્યુ કરાવી શકે. પોતાની ટિકિટ પણ ફરી એકવાર પાકી કરી કે કરાવી શકે.

દરેક નેતા પોતાની લીટી લાંબી કરવા મથે એમાં કંઈ ખોટું પણ નથી. પણ, એમ કરવામાં અંગત રીતે પોતે મજબૂત થતાં હોય અને પક્ષ કે સંગઠન નબળું પડતું હોય તો..? ચર્ચા અનુસાર બહુમતી નેતાઓને પોતાની લીટી લાંબી કરવી છે. પક્ષની લીટી નાની થાય કે ભૂંસાઈ જાય તેમાં તેમને કોઈ તકલીફ નથી..! કારણ સત્તા માટે ભાજપામાં આવેલાં આવા નેતાઓ સત્તા જાય તો પાછા પોતાના પક્ષમાં ભળી પાછા સત્તામાં ગોઠવાય જશે. એમને પક્ષ નહીં સત્તામાં રસ છે. વિચારધારા નહીં વેપારમાં રસ છે.

ત્યારે સવાલ એ થાય છે કે નવનિયુક્ત પ્રમુખે શું કરવું પડશે..?

(૧). સ્વાભાવિક છે કે તેમના પર કબજો મેળવવા મથતા નેતાઓને તેમનું સ્થાન બતાવવું પડશે. પોતાનો પાવર બતાવવો પડશે. જરૂર પડે વિટો વાપરીને પણ આવા લોકોનો વીટો વાળી દેવો પડશે.

(૨). સવારથી આવીને અડ્ડો જમાવનારા અને તેમના મૂળ નેતાઓને રીપોર્ટિંગ કરનાર ગેંગને પોતાની દૂર કરવી પડશે. તેમને પોતાના તાબામાં લેવી પડશે.

(૩). ૧૯૮૦માં સ્થાપાયેલ ભાજપામાં છેલ્લાં ૨૫ કરતાં વધુ વર્ષોથી કાર્યરત પાયાના આગેવાનો, કાર્યકરો અને નેતાઓને જ મહત્વના હોદ્દાઓ મળવા જોઈએ. અપાવા જોઈએ.

(૪). ૨૦૦૦ પછી અને સત્તાના કારણે ભાજપામાં ભળેલાં લોકોને અને તેમની કફની પકડી ભાજપામાં આવેલા લોકોને હાલ પૂરતા ‘તડકે નાંખવા’ પડશે. અને જો જરૂરી હોય તો જ મંત્રી કે મહામંત્રી સિવાયના હોદ્દાઓ આપી તેમની કામગીરી અને સેવા પર કડક નજર રાખવી પડશે.

(૫). હાલના ચૂંટાયેલા સભ્યોની અંગત વફાદારી કરનારા (પક્ષની નહીં પણ નેતાની) આગેવાનોને પણ પોતાનું યથાસ્થાન બતાવવું પડશે.

(૬). નગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતો પર સંગઠનની પકડ વધારવી પડશે અને નિયમિત સંકલનની મીટિંગ બોલાવી તેમને સંગઠન સાથે કદમતાલ મિલાવતા કરવા પડશે.

(૭). જિલ્લાની ટીમમાં બધાં સમાજ, બધાં મંડલ અને સંગઠનને ઉપયોગી બને તેવાં નેતા-કાર્યકરની પસંદગી કરવી જ રહી. માત્ર લેંઘો-ઝભ્ભો પહેરી નેતાજી બની ફરનારાઓની પસંદગી નહીં.

નિયમિત ન્યૂઝ અપડેટ મેળવવા

click ink અને follow નમો ભારત news

https://www.instagram.com/namobharatnews

ખૈર, નવનિયુક્ત પ્રમુખ જૂના જોગી છે, પાયાના કાર્યકરથી આ હોદ્દા સુધી પહોંચ્યા છે. પણ સંગઠન અને સાથીઓના દાવપેચની આંટીઘુંટી તેમને કેટલી ખબર છે..! કારણ એક ટોળી તો એવા દાવ સાધીને જ બેઠી છે કે તેઓ કોઈ ગંભીર ભૂલ કરે..! ખાનગી ચર્ચાઓ તો એવી પણ છે કે “છ મહિનામાં તેમને ઘેર પાછા મોકલી આપીશુ..!” જેવા પેંતરા પણ અંદરખાને રચાઈ રહ્યા છે..! રચાયા છે.

ત્યારે તેમના સફળ કાર્યકાળ અને ત્યારબાદના તેમના રાજકીય ભવિષ્યનો આધાર તેમની ટીમ જ બનનારી હોય માત્ર જિલ્લાની જ નહીં શહેર અને તાલુકાની ટીમ પર પણ પોતાનું પ્રભુત્વ રાખવુ પડશે. કારણ હાલની સ્થિતિ એવી છે કે ‘શિયાળ ખેંચે સીમ ભણી અને કૂતરુ ખેંચે ગામ ભણી..!’

No comments