we


મનસુખ વસાવા નારાજ, કોણ સર્વોપરી..? સંગઠન કે ચૂંટાયેલ પ્રતિનિધિ..?

         ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પાછો લેટરબોમ્બ ફોડયો છે..! આ વખતે ફેસબુકને માધ્યમ બનાવ્યું છે. નારાજગી હાલમાં નિયુકત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સામે છે. આદિવાસી વિસ્તારમાં બનેલ સંગઠકો મુદ્દે નારાજગી છે. તમણે લખ્યુ છે,

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી એ તાલુકામાં તાલુકા ભાજપના હોદ્દેદારોની જે વરણી કરી છે એમાં મોટાભાગનાં સ્થાનિક ધારાસભ્યશ્રીઓ તથા સાંસદસભ્ય તરીકે મને વિશ્વાસમાં લીધો નથી. જીલ્લા પ્રમુખ સાથે વારંવાર અમારી મીટિંગ થઈ છતાં પણ ધારાસભ્યોના અને અમારા સૂચનો ની એમને અવગણના કરી છે. જીલ્લા પ્રમુખ એ એમની આસપાસની ટોળકીનાં દબાણથી તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણુંક કરી છે જે આવનારાં દિવસોમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારે નુકશાન પહોંચાડશે.

ભરૂચ એ આદિવાસી પ્રભુત્વ ધરાવતો જિલ્લો છે છતાં પણ તાલુકાઓમાં આદિવાસીઓને ખૂબ જ ઓછું સ્થાન મળ્યું છે. વાલિયા તાલુકામાં તાલુકા પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજ માંથી નિમણૂંક કરી છે જેની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ એમની સાથે બંને મહામંત્રી તરીકે આદિવાસીની નિમણૂંક કરવાની હતી તેના બદલે મહામંત્રી પણ ક્ષત્રિય નિમ્યા છે. એ જ રીતે ઝઘડિયામાં આદિવાસી સમાજ અને પટેલ સમાજની અવગણના કરી છે. ઝઘડિયામાં પ્રમુખ સામાન્ય છે તો ત્યાં મહામંત્રી તરીકે આદિવાસીને પ્રાધાન્ય મળવું જોઈએ, પટેલ સમાજ પણ ઝઘડિયામાં પ્રભુત્વ ધરાવે છે તો તેમની અવગણના કરવામાં આવી છે.

જીલ્લા પ્રમુખ જીલ્લા ભાજપનાં આગેવાનોને વિશ્વાસમાં લેતા નથી અને બીટીપી તથા આમ આદમી પાર્ટી માંથી આવેલાં લોકો પર ભરોસો મૂકે છે. જે લોકો લોકસભામાં ભાજપને બેફામ ગાળો દેતાં હતાં, મોદી સાહેબની સતત ટિકા ટિપ્પણી કરતાં હતાં તેમને જીલ્લા ભાજપના નેતાઓને વિશ્વાસમાં લીધા વિના ભાજપમાં પ્રવેશ આપી દેવામાં આવે છે જેનાથી સંઘર્ષ કરનાર ભાજપના કાર્યકર્તાઓ સખ્ત નારાજ છે. ભૂતકાળમાં ક્યારે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ નથી થયું જે વર્તમાનમાં થઈ રહ્યું છે.

આદિવાસીઓના ઘણાં બધા પ્રશ્નોને ધ્યાનમાં લેવાની બદલે તેમની સતત અવગણના કરવામાં આવે છે જેનાથી આદિવાસી સમાજ ઘણો નારાજ છે.

અમે તો વર્ષોથી ભાજપના શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. આવી નિમણૂંકો થી કોઈ ફરક પડવાનો નથી. અમે સતત ભારતીય જનતા પાર્ટી મજબૂત બને તેવા પ્રયત્નો કરીશું, પરંતુ જે જૂના કાર્યકર્તાઓ છે જેમની અવગણના થાય છે તેઓનું શું ? આજે જીલ્લાનાં બધાજ ધારાસભ્યશ્રીઓ જીલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી થી નારાજ છે જેને લઈ તેઓને આત્મમંથન કરવાની જરૂર છે..?

જો કે મનસુખભાઈએ એ નથી લખ્યુ કે કોને આત્મમંથનની જરૂર છે

કેડમાં લેતા લપસી જાય એનું કરવું પણ શું..?

ભરૂચના સાંસદ મનસુખ વસાવાને છાશવારે વાંકુપડે છે..¦ તો બીજી તરફ જિલ્લા પ્રમુખે એકલો જાને રેઅને પરિવર્તન સંસારનો નિયમહોવાની નીતિ અપનાવી છે. લાગે છે કે સરકાર (ચૂંટાયેલા પ્રતિનિધિ) સંગઠન પર હાવી થવાનો પ્રયાસ કરે છે..! કોના ઈશારે..?

એક ચર્ચા એવી પણ છે કે જે કેડમાં લેતા લપસી જાયતેનું શું કરવું..? લગભગ બધાં જ આગેવાનો આપણાં લોકલાડીલા અને સિનિયર મોસ્ટ સાંસદને માનસમ્માન આપે છે. છતાંય અનેકવાર એવું બન્યું છે કે તેમને વાંકુ પડયુ છે. સરકાર સાથે. સંગઠન સાથે. અધિકારી સાથે. કાર્યકર્તા સાથે. સાથી આગેવાન સાથે. આ યાદી બહુ લાંબી છે.

હાલનો વિવાદ આજનો નથી. ટીમ બની રહી હતી ત્યારે જ આ સંઘર્ષ શરૂ થયો હતો. આદિવાસી તાલુકાઓની ટીમ પણ એટલે જ આટલી મોડી જાહેર થઈ. મનસુખ વસાવાને બીટીપી અને આપના આગેવાનો સામે પણ વાંધો છે. પણ હવે એ ભાજપાના છે. અડધાં કરતાં વધુ ભાજપી બિન ભાજપી છે. તો હવે વાંધો શું કામ..? તેમને ભાજપામાં લીધાં ત્યારે કેમ પ્રતિકાર ન કર્યો..?

ખૈર..! ઘીના ઠામમાં ઘી ઠરશે તેમ લાગે છે.

    નોંધઃ આ વિચાર ડૉ. તરુણ બેંકરના છે. કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે, કોઈપણ માધ્યમમાં તેનો ઉપયોગ કરવા અનુમતિ લેવી આવશ્યક છે.
       Dr. Tarun Banker (M)  9228208619

No comments